વર્તમાન સમયમાં મોબાઇલની બેટરી ચાર્જ કરવું જાણે કે પ્રાણ પ્રશ્ન બની ગયો છે. આવા સમયમાં ઇઝરાયેલની સ્ટોરડૉટ કંપનીએ અત્યંત ઝડપી સ્પીડે મોબાઇલ ફોન ચાર્જ કરતું ચાર્જર વિકસાવી લીધું છે. આ ચાર્જર માત્ર બે મિનિટમાં ફોન ચાર્જ કરી શકે છે.
લાસ વેગાસમાં યોજાયેલા કન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનિક શૉમાં ખાસ પ્રકારની બેટરી સાથેનું આ ચાર્જર રજૂ કરવામાં આવ્યું હતું. કંપનીનો દાવો છે કે માત્ર બે મિનિટ બેટરી ચાર્જ કરવાથી તે પાંચ કલાક સુધીનો ટોકટાઇમ આપે છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, બે મિનિટમાં આ ચર્જર બેટરી ચાર્જ કરતું હોઈ, દિવસમાં બે વાર ચાર્જ કરવામાં વાંધો નહીં આવે. કંપનીનો એવો પણ દાવો છે કે, તેઓ તેલ અવીવની પ્રયોગશાળામાં જૈવ કાર્બનિક ચાર્જિંગ પ્રાણીલી વિકસાવી રહ્યા છે, જે સ્માર્ટફોનની બેટરીને માત્ર ૩૦ સેકન્ડમાં ચાર્જ કરી શકશે.
કંપનીના અધિકારીઓના દોવો છે કે તેમણે બેટરી ટેક્નૉલોજીને નવેસરથી વિકસાવી તેના આધારે આ ચાર્જર બનાવ્યું છે. તેમણે તૈયાર કરેલી બેટરીમાં થનારી ક્રિયાઓ સામન્ય બેટરી કરતા જુદી છે, તેમાં ખાસ પ્રકારના નેનો પાર્ટિકલ જોડવામાં આવ્યા છે, જેથી તે અત્યંત ઝડપથી ચાર્જ થઈ શકે છે.