ડિગ્રી પર ભરોસો ન કરતા લોકો માટે અમેરિકન ટેકનોક્રેટ બિલ ગેટ્સ હંમેશા આદર્શ રહ્યા છે. બિલ ગેટ્સ સિવાય સ્ટીવ જોબ્સ , માર્ક ઝુકરબર્ગ તથા ઓપરાહ વિનફ્રેએ પણ કોલેજનો અભ્યાસ છોડીને કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને આજે તેમનું નામ સફળ લોકોની યાદીમાં શામેલ છે. આ કારણોસર ભણવામાં ખાસ રસ ન હોય એવી વ્યક્તિઓને તેમના જીવનમાંથી પ્રેરણા લેવાની સલાહ આપવામાં આવે છે. જોકે સોફ્ટવેરની દુનિયાના દિગ્ગજ બિલ ગેટ્સનું માનવું છે કે વિદ્યાર્થીઓએ તેમનું અનુકરણ ન કરવું જોઈએ.
એક બ્લોગ પર બિલ ગેટ્સે લખ્યું છે કે ‘મેં કોલેજ છોડી દીધી હતી પણ હું ભાગ્યશાળી હતો કે સોફ્ટરવેરની દુનિયામાં કરિયર બનાવી શક્યો છું. જોકે હકીકત એ છે કે કોઈક ડિગ્રી હોય તો સફળતા મળવાની શક્યતા અનેકગણી વધી જાય છે. કોલેજ ગ્રેજ્યુએટ્સ માટે સારી નોકરી, ઉંચો પગાર તેમજ સારું જીવન જીવવાનું સરળ બની જાય છે. આવી વ્યક્તિ કર્મચારીઓની ગુણવત્તા પણ સુધારે છે. આના કારણે તકો તો વધે જ છે પણ સ્પર્ધાત્મક વાતાવરણ પણ જળવાઈ રહી છે.’
પોતાના બ્લોગમાં બિલ ગેટ્સે અમેરિકાના શિક્ષણ મામલે નિરાશા વ્યક્ત કરતા કહ્યું છે કે ‘આપણે સક્ષમ યુવાપેઢી તૈયાર નથી કરી શકતા એ વાત બહુ જ ખરાબ છે. સમસ્યા એ નથી કે કોલેજ જતા લોકોની સંખ્યા ઓછી થઈ રહી છે પણ એનાથી મોટી સમસ્યારૂપ વાત એ છે કોલેજનો અભ્યાસ વચ્ચેથી છોડનારા વિદ્યાર્થીઓમાં વધારો થઈ રહ્યો છે.’
એક આંકડા પ્રમાણે અમેરિકામાં કાર્યરત લોકોમાંથી 20 ટકા લોકો એવા છે જેમણે કોઈ ડિગ્રી લીધા વગર કોલેજનો અભ્યાસ છોડી દીધો છે. ઓબામા પ્રશાસન પણ અત્યારે યુવાનો કોલેજનો અભ્યાસ ન છોડે એ માટેના પ્રયાસો કરી રહ્યું છે.