પિતૃઓને મોક્ષ અપાવતી મોક્ષદા એકાદશી

પિતૃઓને મોક્ષ અપાવતી મોક્ષદા એકાદશી

યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછે છે કે, “હે ભગવન્! માગશર સુદ એકાદશીનું નામાભિધાન શું છે? આ વ્રતની વિધિ શું છે? આ દિવસે કયા દેવનું અર્ચન-પૂજન કરવામાં આવે છે?”

“પાપનાશિની અને પુણ્યકારક આ એકાદશીનું નામ મોક્ષદા એકાદશી છે. મોક્ષદા એકાદશી નર્કમાંથી મુક્તિ અપાવે છે. આ વ્રતના પુણ્ય પ્રભાવને લીધે નર્કમાં ગયેલા પિતૃઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.”

મોક્ષદા એકાદશીની ચિંતામણિ સમાન કથા ઉલ્લેખનીય છે.

ગોકુળનગરમાં વૈખાનસ નામે એક રાજા થઈ ગયો. રાજાને એવું સ્વપ્ન આવ્યું કે, તેના પિતા નર્કની યાતના ભોગવી રહ્યા હતા. સવારે ઊઠીને સ્નાનવિધિથી પરવારી તેમણે વિદ્વાન બ્રાહ્મણને બોલાવ્યો અને સ્વપ્નની વાત કહી સંભળાવી. રાજાએ કહ્યું કે, “મારા પિતાએ યેનકેન પ્રકારેણ પોતાને આ નર્કની યાતનામાંથી પોતાને મુક્ત કરવા મને કહ્યું છે, માટે કોઈ પણ રીતે પિતાને નર્કયાતનામાંથી મોક્ષ અપાવવો છે, માટે મને માર્ગદર્શન આપો.”

વિદ્વાન બ્રાહ્મણે રાજાને કહ્યું કે, “તમે ત્રિકાળજ્ઞાાની એવા પર્વત મુનિનો સંપર્ક સાધો, તે તમને યોગ્ય રસ્તો બતાવશે.”

વૈખાનસે બ્રાહ્મણને દાન-દક્ષિણા આપી વિદાય કર્યો અને તે પર્વત ઋષિના આશ્રમમાં ગયા. રાજાએ તેમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી કહ્યું, “હે મુનિવર્ય, હું મારી શંકાનું સમાધાન કરવા આપની પાસે આવ્યો છું, તો મારી શંકાનું નિવારણ કરો એવી પ્રાર્થના કરું છું.”

ભૂત, ભવિષ્ય અને વર્તમાનના જાણકાર પર્વત મુનિએ યોગબળના પ્રભાવથી રાજાનો શું પ્રશ્ન છે તે જાણી લીધું.

પર્વત મુનિએ કહ્યું, “હે રાજન્! પૂર્વ જન્મમાં તારા પિતાએ બીજી પત્નીને ઋતુદાન આપ્યું ન હતું, તેથી તેમને નર્કમાં જવું પડયું છે. તેમના ઉદ્ધાર માટે હવે એક જ રસ્તો છે. તું માગશર સુદ અગિયારશનો ઉપવાસ કરી, રાત્રે જાગરણ કરીને તેના પુણ્યનું ફળ તારા પિતાને અર્પણ કરે તો જ તેમનો સ્વર્ગમાં વાસ થાય. પિતાને નર્કમાંથી મુક્તિ અપાવવા માટે આ વ્રત તારે અવશ્ય કરવું જોઈએ.”

પર્વત મુનિની આજ્ઞાાનુસાર રાજમહેલના સમગ્ર પરિવારે મોક્ષદા એકાદશીનો ઉપવાસ કર્યો અને રાત્રે જાગરણ કરી હરિગીત ગાયાં. વ્રતનું પુણ્ય રાજા તથા કુટુંબીવર્ગે તેમને આપ્યું. આ પુણ્ય પ્રભાવે વૈખાનસ રાજાના પિતાને નર્કમાંથી મુક્તિ મળી અને સ્વર્ગની પ્રાપ્તિ થઈ.

મહામૂલી ચિંતામણિતુલ્ય આ મોક્ષદા એકાદશીની કથાનું શ્રવણ અને પઠન કરવાથી સર્વ પાપો નષ્ટ થાય છે અને વ્રત કરનારનું પણ આત્યંતિક કલ્યાણ થાય છે. આ વ્રતકથાનું શ્રવણ-પઠન કરવાથી વાજપેય યજ્ઞાનું ફળ મળે છે. સ્વર્ગ અને મોક્ષના અધિકારી બનાવનારી આ મોક્ષદા એકાદશી જેવી અન્ય કોઈ વિમલ અને પરમ પવિત્ર એકાદશી નથી. આ મોક્ષદા એકાદશીનો મહિમા અપરંપાર છે, માટે ઉપરોક્ત વ્રત વિધિવિધાન અનુસાર આ અનુપમ મોક્ષદા એકાદશીનું વ્રત કરવા વ્રતધારીએ આગ્રહ રાખવો જોઈએ, જેથી પોતે તથા પોતાના પિતૃઓ પણ સ્વર્ગલોકની પ્રાપ્તિ કરી શકે છે.

Comments

comments


4,184 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + = 4