કોલકાતા સ્થિતિ વોયસરોય હાઉસમાં ફ્રેડરિક પેથિક લોરેન્સની સાથે ગાંધીજી (ઉપર) અને ભારતીય નોટ
સરકાર અનુસાર, આ વર્ષના અંત સુધીમાં દેશી કાગળ પર છપાયેલ નોટનું ચલણ શરૂ થઈ જશે. નાણાં રાજ્ય પ્રધાન જયંત સિન્હાએ હાલમાં જ લોકસભામાં કહ્યું હતું કે અત્યાર સુધીની નોટોનું છાપકમાન વિદેશથી આયાત કરવામાં આવેલ કાગળ પર થતું હતું જ્યારે સાહી ભારતમાં બનતી હતી, માટે હવે સરકાર દેશી કાગળ પર જ નોટોનું છાપકામ શરૂ કરશે.
દેશી કાગળની નોટ પર પણ હશે ગાંધીજી
ભારતીય કરન્સી પર હાલમાં ગાંધીજીની તસવીર છે. દેશી કાગળ પર જે નોટ છાપવામાં આવશે તેના પર પણ આ જ તસવીર હશે. આ આપણી કરન્સીનો ટ્રેડમાર્ક પણ છે. પરંતુ, સવાલ એ થાય છે કે ગાંધીજીની આ તસવીર આવી ક્યાંથી, જે ઐતિહાસિક અને હિંદુસ્તાનની કરન્સીનો ટ્રેડમાર્ક બની ગઈ છે. આ માત્ર પોટ્રેટ ફોટો નથી, પરંતુ ગાંધીજી સંલગ્ન તસવીર છે. આ તસવીરમાંથી ગાંધીજીનો ચહેરો પોટ્રેટના રૂપમાં લેવામાં આવ્યો છે.
ક્યાંની છે આ તસવીર
આ તસવીર એ સમયે ખેંચવામાં આવી હતી, જ્યારે ગાંધીજીએ તત્કાલીન બર્મા અને ભારતમાં બ્રિટિશ સેક્રેટરીના રૂપમાં કાર્યરત ફ્રેડરિક પેથિક લોરેન્સની સાથે કોલકાતા સ્થિત વોયસરોય હાઉસમાં મુલાકાત કરી હતી. આ તસવીરમાંથી જ ગાંધીજીનો ચહેરો પોટ્રેટના રૂપમાં ભારતીય નોટો પર છાપવામાં આવ્યો છે.
વર્ષ 1996 પહેલા ચલણમાં હતી આ 10 રૂપિયાની નોટ
1996માં નોટમાં ફેરફાર થયા
આજે આપણે ભારતીય નોટો પર ગાંધીજીનું ચિત્ર જોઈએ છીએ, જ્યારે આ પહેલા નોટો પર અશોક સ્તંભનું ચિત્ર હતું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 1996માં નોટોમાં પરિવર્તન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તે અનુસાર અશોક સ્તંભની જગ્યાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર અને અશોક સ્તંભની તસવીર નોટની ડાબી બાજુ નિચેના ભાગ પર અંકિત કરવામાં આવ્યું.
અત્યાર સુધી 5 રૂપિયાથી લઇને 1 હજાર સુધીની નોટમાં ગાંધીજીની તસવીર દેખાય છે. તે પહેલા 1987માં જ્યારે પ્રથમ વખત 500ની નોટ ચલણમાં આવી ત્યારે તેમાં ગાંધીજીનો વોટરમાર્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ 1996 બાદ દરેક નોટમાં ગાંધીજીનું ચિત્ર છાપવામાં આવ્યું.
એક રૂપિયાની નોટ
હવે એક અને બે રૂપિયાની નોટ ચલણમાં નથી. જોકે, એક રૂપિયાની નોટનું છાપકામ ફરી શરૂ થઈ ગયું છે. તેને 1994થી બંધ કરી દેવામાં આવ્યું હતું. તેની જગ્યાએ સિક્કાએ લીધી હતી. જ્યારે, એક રૂપિયાની નોટ ચલણમાં હતી ત્યારે તેના પર રિઝર્વ બેંકના ગવર્નરની જગ્યાએ નાણાં સચિવની સહી અંકિત થતી હતી.
કરન્સી ઓફ ઓર્ડિનન્સના નિયમાનુસાર એક રૂપિયાની નોટ ભારત સરકાર દ્વારા, જ્યારે બે રૂપિયાથી લઇને 1000 રૂપિયા સુધીની કરન્સી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે. હાલમાં બે રૂપિયાની નોટનું છાપકામ થતું નથી, પરંતુ જૂની નોટ હાલમાં પણ ચલણમાં છે.
10 રૂપિયાની નોટની વિશેષતા
આગળના ભાગમાં- મહાત્મા ગાંધીની તસવીર, અશોક સ્તંભ
પાછળના ભાગમાં- ગેંડો, હાથી અને વાઘનું ચિત્ર
20 રૂપિયાની નોટની વિશેષતા
આગળના ભાગમાં- મહાત્મા ગાંધીની તસવીર, અશોક સ્તંભ
પાછળના ભાગમાં- તાડના વૃક્ષનું ચિત્ર
50 રૂપિયાની નોટની વિશેષતા
આગળના ભાગમાં- મહાત્મા ગાંધીની તસવીર, અશોક સ્તંભ
પાછળના ભાગમાં- ભારતીય સંસદનું ચિત્ર
100 રૂપિયાની નોટની વિશેષતા
આગળના ભાગમાં- મહાત્મા ગાંધીની તસવીર, અશોક સ્તંભ
પાછળના ભાગમાં- હિમાલય પર્વતનું ચિત્ર
સૌજન્ય
દિવ્ય ભાસ્કર