દૃષ્ટિ પપ્પાની અને શક્તિ મમ્મીની (સતરંગી)

 
દૃષ્ટિ પપ્પાની અને શક્તિ મમ્મીની (સતરંગી)

 

માર્શલ આર્ટનો મેસ્ટ્રો અને એટલો જ માર્શલ આર્ટનો હિમાયતી એવા જેકી ચેનનો ભૂતકાળ જાણો તો સમજાઈ જાય કે આ રિયલ સુપરહીરો કોના હાથ નીચે મોટો થયો હશે.

જેકી ચેનના પપ્પા એક જાસૂસ હતા અને દેશ વતી એ કામ કરતા હતા, તો જેકી ચેનની મમ્મી અફીણની સ્મગલર હતી! જાણીને નવાઈ લાગશે કે જેકી ચેનની મમ્મી ઓલરેડી દસેક વખત હોંગકોંગમાં આ સ્મગલિંગ માટે પકડાયેલી પણ હતી અને એને જેલમાં પણ મોકલવામાં આવી હતી. જાસૂસ પપ્પા અને સ્મગ્લર મમ્મી. આ બેજોડ કોમ્બિનેશન વચ્ચે જન્મેલો જેકી ચેન હંમેશાં કહેતો રહ્યો છે કે એને દૃષ્ટિ એના પપ્પાની મળી છે અને શક્તિ મમ્મીની મળી છે. જેકીની વાત એકદમ યથાર્થ છે. એક જાસૂસની જે તીક્ષ્ણ નજર હોય એ જ નજર જેકી પાસે છે, તો એક આરોપીમાં જે ચીલઝડપ હોય એ ચીલઝડપ પણ એનામાં ભારોભાર પડી છે. જેકી સહેજ પણ એવું કહેતાં ખચકાતો નથી કે એનું જે રીતે ઘડતર થયું છે એવું ઘડતર તેના દીકરાનું થયું નહીં હોવાથી એ ક્યારેય તેના સ્તર સુધી પહોંચી નહીં શકે. જેકીએ ‘ટાઇમ’ મેગેઝિનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “તકલીફ વચ્ચે જ્યારે તમારું ઘડતર થાય ત્યારે એ ઘડતરમાં ટકવાની માનસિકતા હોય પણ જો તકલીફ ન હોય તો મનમાં ટકી રહેવાની ભાવના ન હોય અને એવી ભાવના ન હોય તો ક્યારેય કોઈ ઘડતર સો ટકા રિઝલ્ટ ન આપી શકે.”

જેકી ચેનનાં મમ્મી-પપ્પાની એક સમયે એવી ખરાબ હાલત હતી કે એમણે જેકીને પોતાની પાસે રાખવાને બદલે એને વેચી દેવાનું નક્કી કર્યું હતું અને આ સોદો એક હજાર પાઉન્ડમાં નક્કી પણ થઈ ગયો હતો. બ્રિટિશ કપલ જેકીને લેવા માટે તૈયાર હતું પણ એ સોદો યેનકેન પ્રકારે અટકી ગયો અને જેકી સહજ રીતે પોતાનાં સાચાં મમ્મી-પપ્પા પાસે રહી ગયો. જેકીએ પોતે કહ્યું છે કે એને ખરીદવા માગતાં એ કપલને મળવાની બહુ ઇચ્છા છે, પણ તેનાં મમ્મી-પપ્પા પાસેથી જે કોઈ એડ્રેસ મળ્યું હતું એ એડ્રેસ અને એ એડ્રેસની આગળની કડીઓ સુધી પહોંચ્યા પછી પણ એ કપલ ક્યારેય તેને મળ્યું નથી. જો એ સમયે જેકી વેચાઈ ગયો હોત તો જેકી ક્યારેય આજનો વર્લ્ડ બેસ્ટ એન્ટરટેઇનર ન બન્યો હોત. એ ઓક્સફર્ડમાં ભણ્યો હોત અને બ્રિટનમાં ક્યાંક સરકારી નોકરી કરીને પોતાનું આયુષ્ય પૂરું કરતો હોત, પણ એવું થયું નહીં થવા પાછળનું કારણ જો કોઈ હોય તો એ જ કે જેકી કંઈક જુદું જ કરવા માટે પેદા થયો હતો.

જેકીને માર્શલ આર્ટમાં ઇન્ટરેસ્ટ હતો એવું કહેવાને બદલે એવું કહી શકાય કે એ માર્શલ આર્ટની દિશામાં આગળ વધે એ પહેલાં તેને એટલી ખબર પડી ગઈ હતી કે તે ભાગવામાં બહુ પાવરધો છે. આ વાત ઉપરાંત એને એ વાત પણ સમજાઈ ગઈ હતી કે તેના શરીરમાં કંઈક એવું ગજબનાક છે, જે તેને રબ્બર જેવી એક્ટિવિટી કરાવી રહ્યું છે. માનવામાં નહીં આવે પણ એક હકીકત એ પણ છે કે જેકી ચેને પોતે ઓછામાં ઓછા પચાસ ડોક્ટર પાસે એવાં જાત-જાતનાં ચેકઅપ કરાવ્યાં છે, જેમાં ક્યારેય કંઈ એબનોર્મલ બહાર આવ્યું નથી અને એ પછી પણ, આજે પણ જેકી એવું માને છે કે એના શરીરમાં કંઈક એવું છે જે તેની પાસે રબ્બર જેવી એક્ટિવિટી કરાવે છે. એની વે, ભાગવામાં હોશિયારી હાંસલ કરી લેનારા જેકીની પહેલી મારામારી નાઇટ ક્લબમાં થઈ હતી. એ સમયે જેકી નાઇટ ક્લબમાં બાઉન્સરની નોકરી કરતો હતો. જેકીએ બે-ચાર છોકરાઓને એન્ટ્રી કાર્ડ વિના જતા રોક્યા,બાકીના તો માની ગયા પણ એક થોડો આડાઈ પર આવી ગયો. પહેલો ઘા તેણે જેકી પર કર્યો અને પછી બીજો ઘા જેકી દ્વારા થયો. બીજી કોઈ સિચ્યુએશન હોત તો જેકી મૂઠી વાળીને ભાગ્યો હોત, પણ અહીંયાં તો નોકરીની સવાલ હતો એટલે જેકીએ નાછૂટકે અને જખ મારીને સામનો કરવાનો હતો. સામનો તો તેણે કર્યો અને છૂટા હાથની મારામારી પણ કરી લીધી. આ મારામારી કર્યા પછી જેકી બે દિવસ સુધી પોતાના પગમાં ખૂંચી ગયેલા પથ્થરની એક કણને કાઢવાની કોશિશ કરતો રહ્યો, પણ એ નીકળ્યો નહીં એટલે નાછૂટકે તેણે ડોક્ટર પાસે જવું પડયું. ડોક્ટર પાસે ગયો ત્યારે તેને ખબર પડી કે એના પગમાં જે ખૂંચી ગયું છે એ પથ્થરની કણી નહીં પણ પેલાનો દાંત છે!

જેકીને માર્શલ આર્ટનું બેઝિક નોલેજ ઘરમાંથી જ મળ્યું હતું, પણ આ ઘટના પછી તેણે ઓફિશિયલ માર્શલ આર્ટ એટલે કે પેલું ફુ-કા-ફુ શીખવાનું શરૂ કર્યું અને એ પછી એ ફુ-કા-ફુમાં એક્સપર્ટ થયો. એક્સપર્ટ થયા પછી જેકીની લાઇફમાં ફિલ્મ આવી. જોકે, એ ફિલ્મમાં હીરો તરીકે તો એન્ટર નહોતો થયો, પણ એક સ્ટંટમેન તરીકે દાખલ થયો. ૧૯૭૩ની વાત છે. એ સમયે જેકી ચેનને માર્શલ આર્ટ અને કરાટે ચેમ્પિયન બ્રુસ લી સાથે ‘એન્ટર ધી ડ્રેગન’માં એક સીન કરવા મળ્યો. એ સીનમાં બ્રુસ લીએ જેકીને મારવાનો હતો અને જેકીએ પ્રેમથી માર ખાવાનો હતો. જેકીએ માર ખાવાનું શરૂ તો કર્યું પણ એ માર ખાવામાં વાસ્તવિકતા આવે એ માટે બેથી ત્રણ વખત બ્રુસ લી પર વાર પણ કરી લીધો. એ વારને ખાળવા માટે સ્વાભાવિક રીતે જ બ્રુસ લીએ જહેમત લેવી પડી અને એ જહેમતના ભાગરૂપે તેણે સામો પ્રહાર પણ કર્યો. સામો પ્રહાર થયો, જે જેકીને લાગ્યો પણ જેકીએ કોઈ જાતના ઊંહકારાઓ કર્યા વિના જ એ ઘા ખાવાના શરૂ કરી દીધા. ટેક ઓકે થયો અને એ પછી બ્રુસ લીએ તરત જ જેકીને તેડી હોસ્પિટલે પહોંચાડવાની તૈયારી કરી. જેકીએ કહ્યું હતું, “એ સમયે હું બેહોશ નહોતો. મને ભાન હતું કે હું જાગું છું, પણ મારે જાગવું નહોતું, બેહોશીની એક્ટિંગ કરવી હતી, કારણ કે હું એક એવા માણસના બે હાથમાં હતો, જેના હાથમાં રહેવું એ પણ સ્વર્ગ સમાન હોય છે.”

કામ હંમેશાં અગ્રીમ

કામ હંમેશાં તમને ઊંચાઈ પર લઈ જવાનું કામ કરે છે. જેકીને આજે જે ઊંચાઈ મળી છે એ માટે કામ સિવાય બીજું કોઈ જશ લઈ શકે એમ નથી. જેકીએ પોતાના કામને હંમેશાં પ્રાધાન્ય આપ્યું છે. એટલું જ નહીં જેકી ક્યારેય પોતાના કામથી થાક્યો નથી. આ વાતને યથાર્થ પુરવાર કરવા માટે એક જ ઉદાહરણ કાફી છે. ‘ડ્રેગન લોર્ડ’ નામની એક ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું ત્યારે જેકીએ એક સીન આપવા માટે ૨૯૦૦ રિટેક આપ્યા હતા. યસ, ૨૯૦૦ રિટેક. સીન એ પ્રકારનો હતો કે જેમાં તેણે આટલી મહેનત કરવી પડે એમ હતી. જેકી મહેનતથી ક્યારેય નથી હાર્યો. હા, અફસોસ તેના મનમાં અનેક વાતોનો છે. જેમ અત્યારે પોતાની માર્શલ આર્ટ સ્કૂલ માટે તેેને અફસોસ થઈ રહ્યો છે એવી જ રીતે તેને એ વાતનો પણ અફસોસ છે કે તેની ફિલ્મ ‘નોસબ્લિડ’ ક્યારેય ન બની શકી.

૨૦૦૧માં આ ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઇનલ થઈ અને શૂટિંગ શરૂ થવાની તૈયારી હતી ત્યાં જ અમેરિકામાં ટ્વિન ટાવર પર એટેક થયો અને એ ટાવર પડી ભાંગ્યા. જેકીની ફિલ્મ પણ કંઈક આવા જ સબ્જેક્ટ પર હતી. ફિલ્મમાં જેકી ટ્વિન ટાવરનો વિન્ડો-વોશર એટલે કે બારીઓ ધોનારો હતો, જેને એક દિવસ એવી માહિતી મળે છે કે ટાવર પર આતંકવાદી હુમલો થવાનો છે. જેકીની વાત કોઈ માનવા તૈયાર નથી એટલે એ વિન્ડો-વોશર એવા જેકીએ એ હુમલો રોકવાના પ્રયાસો શરૂ કરવા પડે છે અને એ પછી પોતે જ એમાં ફસાય છે. જેકીને આ અફસોસ જિંદગીભર રહેશે કે તેની આ ફિલ્મ ક્યારેય બની નથી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,543 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 7 =