સ્વિટ્ઝરલેન્ડની બાઇક નિર્માતા કંપની ફેલાઇન મોટરસાઇકલ્સે તાજેતરમાં જ તેની હાઇ ટેક ડિલક્સ મોટરસાઇકલ ફેલાઇન વન દુનિયા સમક્ષ રજૂ કરી છે. જાણીતા ડિઝાઇનર યાકુબા દ્વારા ડિઝાઇન કરાયેલી આ ફ્યુચરિસ્ટિક બાઇક દુનિયાની સૌથી મોંઘી બાઇક બનશે. ઉલ્લેખનીય બાબત એ છે કે ફેલાઇન વનનાં ફક્ત 50 યુનિટ બનાવવામાં આવશે. તેની કિંમત 2.8 લાખ ડોલર (1.75 કરોડ રૂપિયા જેટલી) હશે.
ફેલાઇન વન કાર્બન, ટાઇટેનિયમ, એરોસ્પેસ એલ્યુમિનિયમ અને ફાઇન લેધર જેવા ઉચ્ચ ગુણવત્તાનાં મટિરિયલમાંથી બનેલી છે. કંપનીનાં જણાવ્યા અનુસાર આ બાઇક ચાર વર્ષનાં ટેક્નોલોજી રિસર્ચને અંતે તૈયાર થઇ છે. તેનાં ડિઝાઇન અને ટેક્નોલોજીનું મુખ્ય ઇનોવેશન તેનો આકર્ષક દેખાવ છે.
આ બાઇકનાં એન્જિનની વાત કરીએ તો તેમાં 801 સીસીનું 3 સિલીન્ડર એન્જિન છે, જે 6 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે અને 170 બીએચપીનો પાવર જનરેટ કરે છે. તેની ડિઝાઇન ફ્રેમ ઘણી મજબૂત છે જે બાઇકનાં વજનને ફક્ત 155 કિગ્રા સુધી મર્યાદિત રાખે છે.
ફેલાઇન વનનાં પહેલા મોડેલ 2016ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર