આ વર્ષે 19 જુલાઇ એટલે કે આજે ‘ગુરુપૂર્ણિમા’ છે. આ દિવસે મહર્ષિ વેદવ્યાસ નો જન્મ પણ થયો હતો. આને ‘ગુરુપૂર્ણિમા’ ની સાથે સાથે ‘વ્યાસ પૂર્ણિમા’ પણ કહેવાય છે. દરેકના જીવનમાં કોઈને કોઈ સાચા ગુરુ તો હોવા જ જોઈએ, જે જેને જીવનની માર્ગદર્શિકા આપે. આ દિવસે શિષ્ય પોતાના ગુરુની વિશેષ પૂજા કરે છે, ભેટ આપે છે.
આ ગુરુની આરાધ્યા અને શ્રદ્ધાનો દિવસ છે. આ પવિત્ર દિવસે અમે તમને ગુરુના મહત્વ અંગે એક મોટીવેશનલ સ્ટોરી સાથે રૂબરૂ કરાવવાના છીએ. તો ચાલો જાણીએ આ રોમાંચક અને રીયલ કહાની….
એક દસ વરસનો બાળક હતો. તેનું નામ હતું વિવેક. તેનો ડાબો હાથ કોઈ અકસ્માતમાં છેક ખભામાંથી કપાઈ ગયો હતો. વિવેકને જૂડો શીખવાની ખૂબ જ ઇચ્છા હતી. તે એક ગુરુ પાસે ગયો. ગુરુએ એને જૂડો શીખવવાની સંમતિ આપી. ગુરુએ એને બીજા વિદ્યાર્થીઓથી તેને અલગ પાડી દીધો. હવે ગુરુએ એને ફકત એક જ દાવ શીખવવાનું શરૃ કર્યું. વિવેક ગુરુ જેમ કહે તેમ ખંતથી પોતાની પ્રેકિટસ કરતો.
એક વખત જૂડોની સ્પર્ધા યોજાઈ. વિવેક ફાઈનલ સુધી પહોંચી ગયો. ફાઈનલમાં એનો પ્રતિસ્પર્ધી મોટો-ઊંચો અને હટ્ટો-કટ્ટો યુવાન હતો. જોવાવાળા બધાને થતું હતું કે આવા મહાબળવાન શરીર ધરાવતા હરીફની સામે એક હાથવાળો વિવેક તરત જ હારી જશે, પરંતુ દરેકના આશ્ચર્ય વચ્ચે સ્પર્ધા શરૃ થવાની બે મિનિટમાં જ એક હાથવાળો એ વિવેક જીતી ગયો ! જોનાર દરેકને નવાઈ લાગે એ તો બરાબર. પરંતુ એ એક હાથવાળા વિવેકને ખુદને નવાઈ લાગી.
ઘરે પાછા ફરતા પહેલા કિશોર તેના ગુરુ પાસે ગયો અને તેમને વંદન કરીને કહ્યું કે, ‘ ગુરુજી. હું ફકત એક જ દાવ બરાબર જાણતો હતો છતાં કઈ રીતે જીતી ગયો ?’
ગુરુ ધીમેથી હસીને બોલ્યો,’ દીકરા ! તેં આ એક એવા દાવ પર પ્રભુત્વ પ્રાપ્ત કરેલું છે જે જૂડોમાં સૌથી અઘરો દાવ ગણાય છે. અને એમાંથી બચવાનો એકમાત્ર ઉપાય તારો ડાબો હાથ પકડવાનો છે ! એટલે કે તારો પ્રતિસ્પર્ધી જો તારો ડાબો હાથ પકડે તો જ એ આ ચાલમાંથી છટકી શકે. જે એના માટે શક્ય જ નહોતું. કારણ કે, તારો ડાબો હાથ તો છે નહીં ? પછી એ શું પકડે ? એટલે તારી જીત નકકી જ હતી !”
વિવેક આશ્ચર્ય અને અહોભાવથી ગુરુ સામે જોઈ રહ્યો. ગુરુએ એની સૌથી મોટી ખામીને જ એની સૌથી મોટી ખૂબી બનાવી દીધી હતી ! ગુરુનું આ જ કર્તવ્ય છે. પોતાના શિષ્યની ખામીમાંથી ખૂબીમાં પરિવર્તિત કરી દે છે. તેથી દરેક માનવે જીવનમાં સુખી થવા અને સફળતા પ્રાપ્ત કરવા સાચા ગુરુને શરણે જવું જોઈએ.