જે દિવસે ભગવાન શ્રીરામ નો જન્મ થાય છે તે દિવસને ‘રામનવમી’ કહેવામાં આવે છે. આ હિંદુ ઘર્મમાં આવતો પ્રમુખ તહેવાર છે. આ દરવર્ષે માર્ચ અને એપ્રિલ વચ્ચે આવે છે. રામનવમી નો દિવસ દશરથ રાજાના પુત્ર ભગવાન શ્રીરામ ની સ્મૃતિને સમર્પિત કરે છે.
ભગવાન શ્રીરામ ને સદાચાર નું પ્રતિક માનવામાં આવે છે. રામ ને તેમનું સુખ-સમૃધ્ધિ પૂર્ણ તથા સદાચાર યુક્ત શાસન માટે યાદ કરવામાં આવે છે. શ્રીરામ ભગવાન ના જન્મ દિવસે તેમના શ્રદ્ધાળુઓ ઉપવાસ રાખે છે. ઉપરાંત મંદિરે તેમના જન્મદિવસ નિમિતે ભવ્ય આરતી-પૂજા કરવામાં આવે છે.
આજ દિવસે શ્રીરામ નો જન્મ અયોધ્યા નગરીમાં થયો હતો. તેમના જન્મદિવસે ઉત્તર ભારતમાં ખુબ ખુશીનો માહોલ હોય છે. આ દિવસ લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પુણ્ય પ્રાપ્ત કરે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાનને પ્રાર્થના અને ઉપવાસ સાચા દિલથી કરવામાં આવે તો પ્રભુ જલ્દીથી સાંભળી લે છે.
અયોધ્યાના ઘણા મંદિરોમાં શ્રીરામ, પત્ની સીતાજી, લક્ષ્મણજી અને ભગવાન હનુમાન ની રથયાત્રા કાઢવામાં આવે છે. શ્રીરામ ની પૂજા કરવા માટે સફરજન, શુદ્ધ જળ, અક્ષત, ફૂલ, ઘંટડી અને શંખ જેવી આવશ્યક વસ્તુઓ વાપરવામાં આવે છે.
ધર્મગ્રંથો અનુસાર શ્રીરામના પાંચ ભેદ જણાવવામાં આવ્યા છે – પૂર્ણાવતાર, અંશાવતાર, કલાવતાર, આવેશાવતાર અને અધિકારીવતાર. જેમાંથી ‘રામાવતાર’ ને ગ્રંથોમાં પૂર્ણાવતાર માનવામાં આવે છે. તેમના અવતારનો મુખ્ય ઉદ્દેશ્ય મર્યાદાની સ્થાપના કરવાનો હતો. તેથી જ શ્રીરામ ને ‘મર્યાદા-પુરષોત્તમ’ કહેવામાં આવે છે.