જયારે માણસ લાઈફમાં ગબડે ત્યારે ટીકાના બદલે ટેકો આપવો

feedback-gestão-de-pessoas

એક પરિવારમાં પતિ, પત્નિ અને દિકરો-દિકરી એમ કૂલ ચાર સભ્યો સાથે મળીને રહેતા હતા. એકદિવસ સવારે દાદરો ઉતરતી વખતે પત્ની પગથીયું ચુકી ગયા. ભૂલ નાની હતી પણ પગથીયું ચૂકાવાને કારણે દાદરા પરથી ગબડતા ગબડતા નીચે આવ્યા. કમરના ભાગે ખુબ વાગ્યુ અને થોડા ફ્રેકચર પણ થયા. બધા જ દોડીને ભેગા થઇ ગયા. પતિ એની પત્નિનો હાથ પકડીને નીચે બેસી ગયા અને સાંત્વના આપવા લાગ્યા. દિકરાએ હોસ્પીટલમાં ફોન કરીને તાત્કાલીક એમ્બ્યુલન્સ મંગાવી લીધી. દિકરી દોડીને મમ્મી માટે પાણીનો પ્યાલો ભરી લાવી.

પરિવારના બધા જ સભ્યો પીડાથી કણસતા બહેનની સેવામાં લાગી ગયા. થોડીવારમાં એમ્બ્યુલન્સ પણ આવી ગઇ. સારામાં સારી હોસ્પીટલમાં બહેનને દાખલ કરવામાં આવ્યા. દુ:ખની ઘડીમાં પતિ, પુત્ર અને પુત્રીનો સાથ મળ્યો એટલે બહેનને ખુબ સારુ લાગ્યુ. થોડા દિવસની સામાન્ય સારવાર બાદ હોસ્પીટલમાંથી રજા પણ આપી દેવામાં આવી.

થોડા મહીનાઓ પછી આ પરિવારમાં એક ઘટના ઘટી. દિકરો મેડીકલ કોલેજમાં એડમીશન મેળવવા માટેની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. પરિક્ષા આપી અને તેનું પરીણામ પણ આવ્યું. છોકરાને પરીક્ષામાં ખુબ ઓછા માર્ક આવ્યા. સાંજે એના પપ્પા ઓફીસથી ઘરે આવ્યા એટલે એણે છોકરાને પરિણામ બાબતે પૃચ્છા કરી. છોકરાએ નીચી મુંડીએ નબળા પરીણામની વાત કરી.

પિતા સીધા જ છોકરા પર તાડુક્યા, ‘ડોબા, તે તો મારુ નાક કપાવ્યુ. આવા પરિણામથી હવે તને કોણ એડમીશન આપવાનો હતો ? તારા બાપ પાસે કંઇ રૂપિયાના ઢગલા નથી કે તને ડોનેશન ભરીને ભણાવવાની વ્યવસ્થા કરુ. તારા અભ્યાસ પાછળ કરેલો મારો લાખો રૂપિયાનો ખર્ચ એળે ગયો’. પિતાનું ફાયરીંગ ચાલુ જ હતુ અને વચ્ચે મમ્મી પણ બોલ્યા, ‘શું સાવ મુંગો ઉભો છે ? મોઢામાંથી કંઇક ફાટ તો ખરો ?’

છોકરાએ એના મમ્મી-પપ્પાને કહ્યુ, “મારે તમને થોડા મહીના પહેલા બનેલી ઘટનાની યાદ અપાવવી છે. જ્યારે મમ્મી દાદરો ઉતરતી વખતે નીચે ગબડી પડી ત્યારે આપણે બધા એની સાથે હતા. એને મદદ કરવામાં લાગી ગયા હતા. એ વખતે મમ્મીને મદદ કરવાને બદલે, એને સાથ આપવાને બદલે લાકડી લઇને થોડા ફટકા માર્યા હોત તો ?’ પિતાએ ઉંચા અવાજે કહ્યુ,” ગધેડા તું શું બોલે છે એનું તને ભાન છે ? એને મારવાની હોય કે મદદ કરવાની હોય ?’

છોકરાએ રડતા રડતા કહ્યુ, ‘પપ્પા-મમ્મી, હું પણ અત્યારે ગબડ્યો છું. આ નબળા પરીણામથી મને પારાવાર પીડા થાય છે. મારી આ દુ:ખની ઘડીમાં મને સાથ ન આપી શકો ? મને અત્યારે તમારા ટેકાની જરૂર છે અને તમે ધક્કો મારવાનું કામ કરો છો. જો મને તમારો સપોર્ટ મળી જાય તો હું ફરીથી ઉભો થઇને ચાલવા માંડીશ. આપ તો મારા કરતા ઉંમર અને અનુભવ બંનેમાં મોટા છો આપ એટલું પણ નથી સમજી શકતા કે પડેલા માણસને ટીકાની નહી, ટેકાની જરૂર હોય.’ દિકરાની વાત મમ્મી-પપ્પાના હદય સોંસરવી ઉતરી ગઇ.

મિત્રો, કોઇપણ માણસને જ્યારે અકસ્માત નડે, નીચે પડે ત્યારે ઉભા થવા માટે સૌથી પ્રથમ સપોર્ટની જરૂર પડે. ટેકા વગર નીચે પડેલા માણસને ઉભા થવામાં ખુબ મુશ્કેલી પડે અને કેટલીક વખત તો ઉભો જ ન થઇ શકે. જો દુર્ઘટના મોટી હોય તો મદદ પણ મોટી જોઇએ એમ સંતાનની ભૂલ મોટી હોય તો સપોર્ટ અને પ્રેમની પણ વધુ જરૂર પડશે. જરા શાંતિથી વિચારજો.

Comments

comments


7,122 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


6 + 8 =