સ્કિન પર વિન્ટરની અસર :
સામાન્ય રીતે ઉંમર અને બદલાતી ઋતુની પહેલી અસર આપણી ત્વચા ઉપર પડે છે. ઠંડીની શરૂઆત થતાં જ આપણી ત્વચા રૂક્ષ અને ચમકવિહોણી બની જાય છે. જેમ-જેમ ઠંડક વધતી જાય છે તેમ ત્વચા વધુ રૂક્ષ બનતી જાય છે. આખા શરીર પર ડેડ સ્કિન દેખાવા લાગે છે. ચહેરા ઉપર રિંકલ્સનું પ્રમાણ વધી જાય છે. સ્કિનનું પ્રથમ પડ સંકોચાવા લાગે છે અને ત્વચાની કોશિકાઓ તરડાઈ જાય છે. એટલે દરેક ઋતુની માફક શિયાળામાં પણ ત્વચાની સંભાળ રાખવી જરૂરી બની રહે છે.
સાબુના ઉપયોગને ટાળો :
શિયાળામાં સ્કિનનો સૌથી મોટો દુશ્મન સાબુ છે. સાબુ સ્કિન પર જામતા એક્સ્ટ્રા ઓઇલને શોષી લે છે. એટલે ઉનાળામાં સાબુ વાપરવાથી સ્કિન પરથી તૈલીય અવશેષો દૂર થાય છે. જ્યારે શિયાળા દરમિયાન ત્વચા ઓલરેડી ડ્રાય થઈ ગઈ હોય છે, એટલે જો તમે શિયાળા દરમિયાન પણ સાબુનો ઉપયોગ કરશો તો ત્વચા વધુ ડ્રાય બનશે અને છેવટે સ્કિનમાંથી નેચરલ ઓઇલ સુકાતું જશે અને સ્કિન તરડાવા લાગશે. માટે શિયાળા દરમિયાન સાબુને બદલે મોઇશ્ચરયુક્ત લિક્વિડ સોપ પસંદ કરવો જોઈએ. તેમાં પણ ગ્લિસરીનયુક્ત સોપ વધુ અસરકારક રહે છે.
વિટામિન ઈ :
સ્કિન માટે વિટામિન ઈ ખૂબ જરૂરી તત્ત્વ છે. તેનાથી સ્કિન હેલ્ધી અને મોઇશ્ચરયુક્ત બને છે. માટે શિયાળા દરમિયાન પનીર, પાલક, બદામ, સનફ્લાવર ઓઇલ, માછલીનું તેલ, જેવો વિટામિન ઈથી ભરપૂર આહાર વધુ માત્રામાં લેવો. માછલી તથા સન ફ્લાવરનું તેલ પણ સ્કિન માટે ખૂબ સારું કહેવાય છે. અઠવાડિયામાં એક વાર સન ફ્લાવરના ઓઇલથી ત્વચાની માલિશ કરવી જોઈએ. જેનાથી શરીર પરથી ડ્રાયનેસ દૂર થાય છે. બજારમાં વિટામિન ઈયુક્ત ક્રીમ પણ મળે છે.
ફેસિયલ :
શિયાળા દરમિયાન ફેસિયલ કરાવવું ખૂબ જરૂરી છે. પંદર દિવસે એક વાર તમે ઘરે જ વિટામિન ઈયુક્ત ક્રીમ, ક્લીંન્ઝિંગ મિલ્ક અને એપ્રિકોટ સ્ક્રબની મદદથી ફેસિયલ કરી શકો છો. ચહેરાને નરમાશ આપે તેવો ઘરે જ બનાવેલો ફેસપેક પણ અઠવાડિયામાં બે વાર ચહેરા ઉપર લગાવવો જોઈએ. આ માટે બદામ પાઉડર, સૂરજમુખીનું તેલ, ૧ ટીસ્પૂન ચણાનો લોટ, ગુલાબજળ અને ગ્લિસરીનના મિશ્રણની પેસ્ટનો ઉપયોગ કરવો.
રાત્રે સૂતા પહેલાં એન્ટિ એજિંગ ક્રીમનો અવશ્ય ઉપયોગ કરવો.
- ઈંડાની જરદીમાં ગુલાબજળ મિક્સ કરીને અઠવાડિયામાં એક વાર તેનાથી મસાજ કરવો. વાળમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી સ્કિન તથા વાળને જરૂરી પ્રોટીન મળી રહે છે.
- પગની એડી, કોણી, ઘૂંટણ અને હાથના પંજા ઉપર મલાઈ, ગ્લિસરીન અને બદામ પાઉડરથી અઠવાડિયામાં એક વાર માલિશ અવશ્ય કરો. આ અંગોની ત્વચા ખૂબ જ ડ્રાય હોય છે. મસાજ કરવાથી તે સોફ્ટ બનશે.
- હોઠ ઉપર નિયમિતપણે ગ્લિસરીન તથા મલાઈ પણ લગાવી શકો છો.