કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે ગુજરાત….પણ તેમ છતા ગુજરાતમાં ભણીને મોટા થયા બાદ નોકરી ઘંધા કે વધુ ભણતર માટે ગુજરાતની બહાર આવતા ગુજરાતીઓ ઘીરે ઘીરે ગુજરાતને યાદ જરૂરથી કરવા લાગે છે.
ક્યારેક મમ્મીના હાથની રસોઈ, તો ક્યારેક મિત્રો સાથે રાતના 11 વાગ્યે કોલ્ડ કોફી પીવા જવાની મજા કે પછી આપણી ગુજરાતી બોલી અને ગુજરાતી ગાળો….આ બધુંજ લાંબા સમય બહાર રહેવાથી મનના એક ખૂણે સોનેરી યાદો બનીને યાદ આવ્યા જ કરે છે.
ત્યારે આજે અમે દુનિયાભરમાં રહેતા તમામ ગુજરાતીઓ માટે આ લેખ લાવ્યા છીએ. આ લેખમાં તમામ નાની-મોટી વસ્તુઓ ને આવરી લેવામાં આવી છે. તો જરૂરથી વાંચો અમારો આ આર્ટીકલ અને જાણો શું-શું મિસ કરે છે ગુજરાતીઓ.
ખાવાનું
ખાખરા, ગાઠીયા, ઊંધિયું, ખમણ, ઢોકળાં અને એવી તો ઘણી બધી વાનગીઓને આપણે જરૂરથી મિસ કરીએ છીએ. ફક્ત આટલું જ નહિ પણ આપણે લારીની ગરમાગરમ ચા ને પણ એટલીજ મિસ કરીએ છીએ. ઘણી વાર ખાખરા જેવો સુકો નાસ્તો તો આપણને મળી જાય છે, પણ તેનો સ્વાદ ગુજરાતની ગુજરાતી વાનગી જેવો તો ન જ આવે.
ફ્રેન્ડ્સ અડ્ડો
દરેક લોકોને પોતાનો એક અડ્ડો હોય છે, જ્યાં બધા મિત્રો એકઠા થાય છે અને ગોસિપ કરે છે. આ અડ્ડો સામાન્ય રીતે કોઈ તળાવ કે ચાની લારીની જગ્યાઓ, જે દુનિયાથી પરે હોય છે. તે જગ્યાએ ફ્રેન્ડ્સ સાથે કરેલી ગપશપ આપણને અચૂકથી યાદ આવે છે.
આપણા તહેવારો
જયારે ઉતરાયણનો તહેવાર આવે છે ત્યારે ગરમાગરમ ઉંધીયુ ખાવાનું, આખો દિવસ મોટેથી મ્યુઝિક વગાડવાનું, પતંગનો પેચ….પેચ… બોલીને ગળું ખરાબ કરવાનું અને વળી નવરાત્રીમાં મોડી રાત સુધી ગરબા રમીને ત્રણ સવારીએ સ્કૂટી દ્વારા ઘરે જવાનું. દિવાળીમાં બધાને એટલા માટે પગે લાગવાનું કે જે થોડા ખર્ચાપાણી મળે. આ બધા તહેવારોની મજા તો ફક્ત ગુજરાતમાં જ આવે હો!!
ફિલ્મો
મેં કદાચ જેટલી ફિલ્મો ગુજરાતમાં રહીને નહિ જોય હોય, જેટલી ગુજરાતની બહાર આવીને જોય હોય. એ નરેશ કનોડિયો ફિલ્મોમાં પોતાના વાંકડિયા વાળની લટને ફૂંકથી ઉડાવે અને હાથમાં લાઠી લઇને એન્ટ્રી કરે અને તે જ રમેશ મહેતાની ટિપિકલ કોમેડી એ તો કેમ ભૂલાય? આ બધું જોયને ગુજરાત યાદ આવી જ જાય.
ગુજરાતી ગાળો
ખાસ કરીને ગુજરાતી ગાળો….જે આપણી મમ્મીના મોઠેથી કે ફ્રેન્ડ્સના મોઠેથી ઘણીવાર નીકળતી હોય છે. અંગ્રેજી અને હિન્દી ગાળોનો આપણને બહારથી સંભાળવા મળે, પણ આપણા દેશી લહેકાની મજાનો ગુજરાત સિવાય બીજે ક્યાં મળે!!
આપણી ગુજ્જુ લેંગ્વેજ
જયારે બધીજ બસોના પાટિયા પર, ટ્રેનો પર બીજી ભાષામાં લખેલા બોર્ડ, જયારે “શું ગાંડો તું પણ !” બોલીએ તો કોઇપણ સમજી શકે કે આપણે તેને ગાંડો કહી રહ્યા છીએ. કે પછી પ્રેમથી કોઈને કીધેલા આપણા ગુજરાતી શબ્દો જેમકે બકા, ભૂરા એ ખાસ શબ્દોતો કેમ ભૂલાય! ગુજરાતી ભાષાના શબ્દોને આપણે બહાર જઈએ ત્યારે જરૂરથી યાદ કરીએ છીએ.
ગુજરાતના રસ્તાઓ
ધણીવાર ગુજરાતના એ સરસ હાઇવેને ખૂબ જ મિસ કરીએ છીએ જ્યારે તમે જે જગ્યાએ રહેતા હોવ તેના રસ્તા એટલા સારા ના હોય.
નાટકો
જો તમે ગુજરાતી નાટકના ખુબજ શોખીન હોવ અને જીવનમાં તમે ક્યારેય લાઈવ નાટક જોયું હશે તો તેનો મહિમા સમજાશે. આજે આપણને ઓનલાઇન કે રેકોર્ડેડ પણ નાટકોની સીડી મળતી હોય છે પણ તેમાં લાઇવ જેવી મઝા તો નથી જ આવતી.
આપણા મિત્રો અને પરિવારજનો
જયારે આપણે બહાર જઈએ છીએ ત્યારે નવા નવા હોય ત્યાં સુધી તો ખુબ જ સારું લાગે. એમ થાય કે હાશ! આ સમયે આપણે મિત્રોની ચીકચીક, મમ્મની કકળાટ અને બીજી વસ્તુથી ખુબ દુર હોઈએ છીએ. પણ, થોડા સમયબાદ તો એવું ફિલ જરૂર થાય કે અહી કોઇ તમને ટોપો, નકામો કહીને પ્રેમની લાડ લડાવીને બોલાવવા વાળું નથી ત્યારે તે કકળાટ કે ચકચક પણ યાદ આવવા લાગે છે.