ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ ભક્તિનો મહિમા સમજાવ્યો છે. ભગવદ્ પ્રાપ્તિ માટે ભક્તિનો માર્ગ એકદમ સરળ માનવામાં આવે છે. પરમ સત્યના સાક્ષાત્કારની જે વિવિધ પધ્ધતિઓ નિર્ધારિત થયેલી છે તેમાં ‘ભક્તિયોગ’ અર્થાત્ ભક્તિમય સેવાને સર્વોત્કૃષ્ટ કહી છે.
જો કોઈપણ વ્યક્તિને પૂર્ણ પુરૃષોત્તમ અવિનાશી ભગવાનનું સાંનિધ્ય જોઈતું હોય તો તેણે ભક્તિમય સેવા અપનાવવાનો સરળ માર્ગ બતાવવામાં આવ્યો છે. તેથી જ ગીતાના બારમા અધ્યાયય ભક્તિયોગમાં શ્રીકૃષ્ણએ સુંદર, સહજ અને સરળ રીતે ભક્તિનો મહિમા સ્વમુખે વર્ણવ્યો છે.
મય્યાવેશ્ય મનો યે માં
નિત્યયુક્તા ઉપાસતે ।
શ્રધ્ધયા પરયોપેતાસ્તે
મે યુક્તતમા મતાઃ ।।
ભગવાન શ્રીકૃષ્ણ અર્જુને પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે, મારામાં મનને પરોવીને નિરંતર મારા જ ભજન-ધ્યાનમાં રચ્યાપચ્યા રહેનારા જે ભક્તજનો, અત્યંત અડગ શ્રધ્ધાભાવથી યુક્ત થઈને, મુજ સગુણસ્વરૃપ પરમેશ્વરને ભજે છે, તેઓ અને યોગીઓમાં વધુ ચઢિયાતા યોગીરૃપે માન્ય છે.
ઉપરોક્ત શ્લોકનું રસદર્શન, વિવેચન અને વિશ્લેષણ જોતાં એમ સમજાય છે કે ભગવાને ગીતામાં ભક્તિની વાત વિશેષરૃપે કહી છે. ભક્તિમાં ભક્તની એકાગ્રતા, સમર્પણભાવ અને શ્રધ્ધાને ખૂબજ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ભક્તિ એ પરમેશ્વરને પામવાનો સૌ કોઈ માટે એકદમ સહજ, સરળ અને સીધો માર્ગ છે.
જે કોઈપણ મનુષ્ય ચાહે તે બ્રાહ્મણ હોય યા એકદમ નીચલા સ્તરનો ચાંડાલ હોય તો પણ શ્રધ્ધાપૂર્વક ભગવાનની ભક્તિ કરી શકે છે. શ્રધ્ધા અને સંપૂર્ણ ભક્તિભાવથી ભગવાનનું પૂજન કરે છે તેને સર્વ યોગીઓમાં પણ સર્વાધિક ગણ્યો છે.
આ રીતે મનુષ્ય કૃષ્ણભાવનામાં એકદમ ડૂબી જાય છે તેને માટે ભૌતિક કાર્યો પણ રહેતાં નથી. શુદ્ધ ભક્ત નિરંતર કાર્યરત રહે છે. કોઈ વખત તે કીર્તનમાં રચ્યોપચ્યો રહે છે, કોઈ વખત તે કથાશ્રવણ કરે છે, યા તો ભજન કરે છે. પણ કૃષ્ણભક્તિની એક ક્ષણ પણ તે નકામી જવા દેતો ન હોઈ ભક્તિના સાગરમાં જ નાહ્યા કરે છે. આવા કર્મને પંડિતો પૂર્ણ સમાધિ તરીકે ઓળખાવે છે.ગીતામાં ભગવાને ભક્તિનો મહિમા તો વર્ણવ્યો છે પરંતુ તેમાં ભક્તિના પ્રકારોનું વર્ણન જોવા મળતું નથી. આમ છતાં ઉચ્ચકોટિની કહી શકાય તેવી ત્રણ માર્ગી કર્મ, જ્ઞાાન અને ભક્તિની શ્રૃંખલાને બહુ જ સહજ રીતે જોડી દીધી છે.
શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતામાં પરમાત્માને પાવમા માટે ત્રણ માર્ગો બતાવ્યા છે. જે કોઈ ભક્ત ભગવાનને પામવા ઉત્સુક છે તેમને માટે શ્રીકૃષ્ણ આજ્ઞાા કરતાં કહે છે કે, મારામાં જ મનને પરોવ. મારામાં જ લીન થઈ જા. અથવા તો તું મારામાં જ સદૈવ રચ્યોપચ્યો રહે. તો જ તમે સગુણ પરમેશ્વરને પામશો. ભક્તિમાં પ્રભુએ અત્યંત અડગ શ્રધ્ધાભાવને ખૂબજ મહત્ત્વ આપ્યું છે.
જો સંસારી વ્યક્તિ શ્રધ્ધાના સાગરમાં ડૂબીને અડગ મનથી ભક્તિમય રહે છે તે તમામ યોગીઓમાં સર્વાધિક ચઢિયાતો છે તેમ ભગવાને કહ્યું છે. ભગાવનમાં ચિત્ત પરોવનાર પ્રેમી ભક્તો મૃત્યુરૃપી સંસારસાગરમાંથી ભવપાર તરી જાય છે. આમ, ગીતામાં ભક્તિનો સુંદર મહિમા સમજાવવામાં આવ્યો છે.