કોઈ મુશ્કેલી જ ન હોય તો જીવન પોતે મુશ્કેલી બની જાય

 

કોઈ મુશ્કેલી જ ન હોય તો જીવન પોતે મુશ્કેલી બની જાયગુલાબના છોડમાં કાંટા હોય છે, તેનો કકળાટ ન કરો. કાંટાના છોડમાં ગુલાબ ઊગ્યું છે, તેનો ઉત્સવ કરો.

આપણી પાસે જે નથી તેના માટે આપણે હંમેશાં ફાફાં માર્યાં કરીએ છીએ અને જે છે તેનું મહત્ત્વ કરવાનું ચૂકી જઈએ છીએ. જે નથી તે મેળવવાની લાયમાં ને લાયમાં ક્યારેક જે છે તે પણ ગુમાવી બેસીએ છીએ.

ક્યારેક તમે તમારી જિંદગીથી સાવ નિરાશ થઈ જતા હશો, પણ શક્ય છે કે ત્યારે કોઈ વ્યક્તિ તમારા જેવું જીવન જીવવાનું સપનું જોતી હોય. ફળિયામાં, મેદાનમાં કે ખેતરમાં ઊભેલું એક બાળક આકાશમાં ઊડતું વિમાન જોઈને પોતે પણ આકાશમાં ઊડવાની ઝંખના સેવતું હોય છે, જ્યારે તે જ સમયે વિમાનમાં ઊડતો પાઇલટ ધરતી પરનાં ખેતરો, મકાન, હરિયાળી, બાળક આ બધું જોઈને પોતે ઘરે પાછા ફરી જવાનું સપનું જોઈ રહ્યો હોય છે. આ જ જીવન છે. જે તમારે નથી જોઈતું તે શક્ય છે કે બીજા માટે ખૂબ જ કીમતી હોય અને જેનું મૂલ્ય તમારે મન જીવન કરતાં પણ વિશેષ હોય તે જ વસ્તુ શક્ય છે કે બીજી વ્યક્તિ માટે ધૂળ બરાબર હોય.

જે તમારી પાસે છે તેની મજા લો. જે નથી તેની પાછળ પડયા રહેવાનો કોઈ અર્થ નથી. માત્ર પૈસા જ સુખની તમામ ચાવી હોય તો તમામ ધનવાનો તમને ખુશીના માર્યા નાચતા દેખાતા હોત, પણ આવું તો ગરીબ વસ્તીમાં ફાટેલી ચડ્ડી પહેરીને ફરતાં બાળકો કે ગામડામાં ઝાડ પર ચડ- ઊતર કરતાં તોફાની બાળકો જ કરતાં દેખાય છે. જો સૌંદર્ય અને પ્રસિદ્ધિ સંબંધને ગાઢ બનાવતી હોય તો સેલિબ્રિટીઝનું લગ્નજીવન વધારે સફળ વીતતું હોત, પણ આપણે બધા જ જાણીએ છીએ કે એવું નથી. જો પાવર મળી જવાથી રક્ષણ મળી જતું હોત તો બધા જ ઉચ્ચ અધિકારીઓ કે નેતાઓ સિક્યોરિટી ગાર્ડ વિના મોકળા મને ફરતા હોત. તમે સમસ્યાઓથી મુક્ત થવા માગો છો. તમે એવું ઇચ્છો છો કે જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી જ ન આવે, પણ એવું શક્ય જ નથી. જો જીવનમાં કોઈ મુશ્કેલી જ ન હોય તો જીવન પોતે જ એક મુશ્કેલી બની જાય. ઉર્દૂના કવિ અસગર ગોંડવીનો એક શેર છે :

ચલા જાતાં હૂં હસતા ખેલતા મૌજે-હવાદિસ સે,

અગર આસાનિયાં હો જિંદગી દુશ્વાર હો જાએ.

 જિંદગીમાં બધે સરળતા જ હોય તો જિંદગી જીવવી અઘરી થઈ પડે. જો જીવનમાં કોઈ સમસ્યા જ ન હોય, કોઈ મુશ્કેલી જ ન હોય, કોઈ તકલીફ જ ન હોય તો પછી જિંદગી જીવવાની મજા જ શું? આ વાત હિન્દી કવિ પંડિત વ્રજનારાયણ ચકબસ્તે પોતાના શેરમાં જુદી રીતે કરી છે. તે કહે છેઃ

અગર દર્દે-મુહોબ્બત સે ઇન્સાં ના આસના હોતા,

ન કુછ મરને કા ગમ હોતા, ન જીને કા મજા હોતા.

જો દુઃખ ન હોત તો જીવન જીવવાની કે જીવીને મરી જવાની કોઈ મજા જ ન રહેત. વસીમ બરેલવીએ એક શેરમાં કહ્યું છે કે મુશ્કિલેં તો હર સફર કા હુશ્ન હૈ. એટલે કે સમસ્યા તો સફરનું સૌંદર્ય છે. મુશ્કેલી વગરની મુસાફરી પાન વિનાના ઝાડ જેવી છે. પાન વિના ઝાડ શોભતું નથી, તેમ દુઃખ વિનાનું જીવન પણ શોભતું નથી. પાન ઝાડને હરિયાળું રાખે છે, દુઃખ જીવનને. સતત સુખી હોવા જેવું દુઃખ બીજું એકેય નથી.

તમને ક્યારેય ગમતી વસ્તુ ન મળી હોય, પરીક્ષામાં નાપાસ ન થયા હોય, પાકીટ ન ખોવાઈ ગયું હોય, કોઈ સાથે ઝઘડો જ ન થયો હોય, તમે પ્રેમમાં નિષ્ફળ ન ગયા હોય, પરિવારમાં બોલાચાલી ન થઈ હોય, ઓફિસમાં બોસથી મનદુઃખ ન થયું હોય, મિત્રો જોડે ખટરાગ ન થયો હોય કે આવાં બીજાં અનેક નાનાં-નાનાં દુઃખો તમે ક્યારેય અનુભવ્યાં જ ન હોય તો તમારે સમજી લેવાનું કે તમે જીવતાં નથી. જેને કોઈ મુશ્કેલી જ નથી, તેની પાસે જીવન પણ નથી. પથ્થર તોડવાની મુશ્કેલીમાંથી પસાર થયા પછી એક બીજ કૂંપળનું રૂપ ધારણ કરે છે. તમે એક બીજ જેવું વ્યક્તિત્વ ધરાવો છો. જો તમારે ઊગવું હોય તો સમસ્યારૂપી પથ્થરને તોડવો પડશે, તો જ કૂંપળ ઊગશે. તમે જ્યારે તમારા પ્રત્યે પોઝિટિવ વિચારતા થશો ત્યારે તમને સમજાશે કે તમારી પાસે શું નથી. પ્રભાત તમારી પાસે ઝાકળ લઈને આવે છે. સૂરજ તમારા માટે તડકો પાથરે છે. હવા વહી રહી છે તમારા માટે. ઝાડ ફળ આપવા તત્પર છે તમને, ફૂલ તમને પોતાની સુગંધ આપવા રાજી છે. તમારું શરીર સ્વસ્થ છે. તમે બધું અનુભવી શકો છો, જોઈ શકો છો,જાણી શકો છો. તમારી પાસે આટલું બધું છે, છતાં તમને તમારી લાઇફની પીડા જ દેખાય છે, આનંદ નથી દેખાતો. આપણે છોડ પર ગુલાબ ઊગ્યું છે તે જોતાં જ નથી. આપણે છોડ પર કાંટા છે તેનું જ દુઃખ વ્યક્ત કર્યા કરીએ છીએ અને તેમાં ને તેમાં પેલું ઊગેલું ગુલાબ કરમાઈ જાય છે અને આપણે આપણી પાસે જે ગુલાબ હતું તેનાથી પણ વંચિત રહી જઈએ છીએ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,721 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>