કડવા લીમડાના નરવા ગુણ

કડવા લીમડાના નરવા ગુણલીમડો ભલે કડવો,ગુણ મીઠો હોય

લીમડો ગુણ બત્રીસ,કંચન કાયા હોય

કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. લીમડાને આપણે ત્યાં કટુ અમૃત કહેવામાં આવે છે. એક તો તેની શીળી છાંય, આરોગ્યપ્રદ ગુણધર્મ અને પરોપકારી સ્વભાવને લીધે આપણી સંસ્કૃતિમાં લીમડાંના વૃક્ષને આગવું મહ્ત્વ આપવામાં આવ્યું છે.

સ્વાસ્થ્યવર્ધક તરીકે ઓળખાતો લીમડો બધી જગ્યાએ જોવા મળે છે. તેના અનેક ઉપયોગો હોવાથી તેને આરોગ્યના દેવતા નારાયણ માનવામાં આવે છે. તે અતિ ગુણકારી હોઇ તેના તમામ ભાગનો ઉપયોગ ઓષધી તરીકે થતો હોય છે.

સદીઓનો આપણો સાથી કડવો ખરો પણ કેટલો બધો ગુણકારી છે! માટે જ તેને અનેક વિશેષણ મળેલા છે. જેમ કે ‘ડિવાઈન ટ્રી’, ‘ગામડાની ફાર્મસી’, ‘સર્વરોગ નાશક’, ‘હીલ ઓલ નેચર્સ ડ્રગ્ઝસ્ટોર’ અને આખરે ‘ધ ટ્રી ઓફ લાઈફ’ આવા વિશેષ ગુણોવાળું વૃક્ષ આપણા ભારતનું છે. જે હવે બધા જ પડોશી દેશો પાકિસ્તાન, બંગલાદેશ, મ્યાનમાર તથા શ્રીલંકામાં સારી રીતે ઊગે છે.

કડવા લીમડાના નરવા ગુણ

લગભગ ૫૦૦૦ વર્ષથી લીમડાનું અસ્તિત્વ નોંધાયેલું છે. લીમડાના વૃક્ષની આયુ ૧૫૦થી ૨૦૦ વર્ષની ગણાય છે. આજે કડવો લીમડો ગામડે ગામડે ઊગે છે.

આયુર્વેદના મહાન ગ્રંથ ભાવપ્રકાશમાં લીમડાનાં કેટલાંક નામ આપ્યાં છે તે જોતાં આપણને તેની મહત્તા સમજાશે.

 • નિંબ – ઠંડક આપનાર.
 • પિચુમંદ – ચામડીનો રોગ નાશ પમાડનાર.
 • તિક્ત – કડવો રસ ધરાવનાર.
 • અરિષ્ટ – જેનાથી અશુભ થતું નથી તે.
 • પારિભદ્ર – જેનાં સેવનથી માત્રને માત્ર કલ્યાણ થાય છે.
 • હિંગુનિર્યાસ – જેનો ગુંદર હિંગ જેવી સુવાસ ધરાવે છે તે.

કડવા લીમડાના સેવનથી થતાં ફાયદા :-

 1. લીમડાના પાંચ ભાગ મૂળ, છાલ, પાંદડાં, ફૂલ અને ફળ વગેરે છે. જે દરેક રીતે આરોગ્ય માટે ઉપયોગી છે. તેનો સીધો ઉપયોગ ઔષધી તરીકે થઇ શકે છે.
 2. લીમડામાં પ્રોટીન, કાર્બોહાઇડેટ, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, સોડિયમ, કોપર, સલ્ફર, વિટામિન-એ, સી જેવાં સ્વાસ્થ્યવર્ધક તત્ત્વો હોય છે. તેનાં પાંદડાંઓના નિયમિત ઉપયોગથી ચામડી અને કૃષ્ઠ રોગ જેવી બીમારીઓમાં ઝડપથી ઉગારી શકાય છે.
 3. નવજાત શિશુઓને લીમડાનાં કુમળાં પાંડદાંઓને વાટી તેનો રસ નિયમિત રીત પિવડાવવાથી તેને ઝેરીલા જીવજંતુઓની કોઇ અસર થતી નથી.
 4. આયુર્વેદના મતે સ્વાદમાં લીમડો કડવો અને તૂરો, પચવામાં હળવો, ઠંડો, વ્રણ-ઘાની શુદ્ધિ કરનાર અને હૃદય માટે હિતકારી છે. તે કફ, સોજો, પિત્ત, ઊલટી, કૃમિ, હૃદયની બળતરા, કોઢ, થાક, અરુચિ, રક્તના વિકારો, તાવ અને ઉધરસને મટાડનાર છે. લીંબોળીનું તેલ કડવું તથા ગરમ હોય છે. તે હરસ-મસા, વ્રણ, કૃમિ, વાયુ, કોઢ, રક્તના વિકારો અને તાવને મટાડે છે.
 5. બે ગ્રામ લીમડાના પાનની રાખનું સેવન કરવાથી કીડનીની પથરી ગળીને નીકળી જાય છે.
 6. કડવા લીમડાના પાન બાફીને સાધારણ ગરમ હોય ત્યારે સોજા ઉપર બાંધવાથી સોજો ઉતરે છે.

કડવા લીમડાના નરવા ગુણલીમડાના સેવનનો અતિરેક ટાળો :-

લીમડો ખૂબ ગુણકારી છે, પરંતુ ગુણકારી ચીજનું અતિ સેવન પણ ઠીક નથી હોતું. બારે માસ લીમડાનો રસ પીવાનું બધા માટે હિતકારી નથી. ચૈત્ર મહિના દરમ્યાન રોગી-નીરોગી સૌએ લીમડો લેવો જોઈએ, પરંતુ બારે માસ ગમે ત્યારે લીમડાનો રસ પીવાનું ઠીક નથી. લીમડાનો બાહ્ય ઉપયોગ છૂટથી કરી શકાય, પરંતુ મોં વાટે લેતાં પહેલાં શરીરના દોષોની અવસ્થા અને વ્યક્તિની પ્રકૃતિને આધારે આયુર્વેદની જાણકાર વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે. લીમડો ઠંડક કરનારો અને રૂક્ષ હોવાથી લીમડાનું વધુપડતું સેવન પુરુષોમાં નપુંસકતા (ઇરેક્ટાઇલ ડિસફંક્શન) લાવી શકે છે. અલબત્ત એ ટેમ્પરરી હોય છે. માટે લીમડાનું સેવન યોગ્ય માત્રામાં તથા સમજપૂર્વક કરવામાં આવે તો તેનો પૂરેપૂરો ફાયદો લઈ શકાય છે.

Comments

comments


9,967 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 8 =