કિંગ કોબ્રા સાપ જેને કરડે તેનું બચવું લગભગ મુશ્કેલ હોય છે પણ જ્યારે કોઇ વ્યક્તિ આ સાપને કિસ કરતી જોવા મળે તો જરૂર આશ્ચર્ય થાય, જે રીતે બોલિવૂડમાં ઇમરાન હાશ્મી સિરિયલ કિસર તરીકે પ્રખ્યાત છે તેવી જ રીતે મલેશિયાના તાઇપિંગ સિટીમાં રહેતો અમજદ નામનો આ યુવક પ્રખ્યાત છે, જોકે અમજદને કિસ કરવાનો જરા જુદો જ ચસકો છે, તે કિંગ કોબ્રાને કિસ કરી શકે છે.
અમજદને આ આવડત વારસામાં મળી છે, તે કોઇ પણ કોબ્રા સાપને કાબૂમાં કરીને તેમાંથી ઝેર કાઢયા વગર તેને કિસ કરી શકે છે, તેના પિતા આ જ પ્રકારની કુનેહ ધરાવતા હતા, જોકે એક દિવસ તેઓ કોબ્રા સાપને કિસ કરવા ગયા તો સાપે તેને કરડી લીધું, જેથી તેઓ મોતને ભેટ્યા, હવે પિતાની આ પરંપરા કે કળાને પુત્ર અમજદ વિશ્વવિખ્યાત કરી રહ્યો છે, તે એક વર્ષનો હતો ત્યારથી જ સાપની સાથે રમી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે કિંગ કોબ્રા તરીકે જાણીતો આ સાપ જેને પણ ઠંખે તેના માટે બચવુ લગભગ અશક્ય છે. આ સ્ટન્ટને એક રિયાલિટી શોમાં પણ દેખાડવામાં આવશે, જે આગામી ૩૧મી માર્ચથી શરૂ થવા જઇ રહ્યો છે. અને દર મંગળવારે આ શો જોવા મળશે.
૧૦૦ જજની વચ્ચે રજૂ થશે આ સ્ટન્ટ
અમજદ ખાન સાપને કિસ કરવાની આ કળાને જે ટીવી શો માટે રજૂ કરવાનો છે તે વલ્ડ્ર્સ મોસ્ટ ટેલેન્ટેડ તરીકે ઓળખાય છે. વિશ્વભરમાંથી આ શોમાં લોકો આવે છે. ૧૦૦ જેટલા જજો વિશ્વના સૌથી ટેલેન્ટેડ વ્યક્તિની પસંદગી કરશે. ૩૧મી માર્ચના રોજ આ શોને ટેલિકાસ્ટ કરવામાં આવશે અને દર મંગળવારે રાત્રે ૯ કલાકે જોવા મળશે. અમજદના આ સ્ટન્ટને ત્રીજા એપિસોડમાં રજૂ કરવામાં આવશે.
આવું કેમ શક્ય છે?
અમજદ ખાનની ઉમર ૨૭ વર્ષની છે, તેના પિતા અલી ખાન સમસુદ્દીન પણ આ પ્રકારની સ્ટન્ટ માટે જાણીતા હતા. અલી ખાન ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન ધરાવે છે. તેઓને પોતાના જીવનમાં ૯૯ વખત સાપે ડંખ માર્યો હતો, જોકે અંતીમ ૧૦૦માં ડંખે તેમનો જીવ લઇ લીધો હતો. તેમને અંતીમ શ્રણે સારવાર નહોતી મળી તેથી તેમનું મોત થયું હતું. અમજદ ટીવી શો વર્લ્ડ્સ મોસ્ટ ટેલેન્ટેડ શો માટે આ સ્ટન્ટ કરી રહ્યો છે. તેની સામે જ્યારે કોઇ કિંગ કોબરા આવી જાય છે તો તે તેની સામે બેસી જાય છે, કોબરા પણ જાણે તેનો મિત્ર હોય તેવું વર્તન કરવા લાગે છે.
અમજદ સાપને વશ કરવા માટે હિપ્નોટિક ટેકનિકનો ઉપયોગ કરે છે, એટલે કે સાપની સામેે જોઇને તેને વશમાં કરી શકે છે. સૌથી પહેલા તો તે પોતાના એક ફિંગરને સાપની સામે લઇ જાય છે, સાપ જ્યારે આ ફિંગર પર નજર કરે છે ત્યારે તે હિપ્નોટાઇઝ થઇ જાય છે.