આપણામાંથી મોટાભાગના લોકો બચેલો ખોરાક ગરમ કરીને ખાતાં જ હોઈએ છીએ, જેથી તે વેસ્ટ ન થાય. જોકે આવું કરવામાં કોઈ જ વાંધો નથી કારણે કે ઘરમાં બનેલો ખોરાક ગરમ કરીને ખાઈ શકાય છે. પરંતુ તમે ધણીવાર એવું સાંભળ્યું હશે કે વારંવાર ખાવાનું ગરમ કરવાથી તેના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. પણ શું તમને ખબર છે કે તેમાથી કેટલાક ખોરાક તો એવા હોય છે જેને વારંવાર ગરમ કરવાથી થતી રાસાયણિક પ્રક્રિયાને કારણે તે ઝેર બની જાય છે. જેથી તમારે ચોક્કસ જાણી લેવું જોઈએ એવા ખોરાકો વિશે. જેથી તમે અને તમારું પરિવાર વારંવાર ગરમ કરીને ખાતા થતી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી જાઓ
બટાકા
આમ તો બટાકા ખાવા વિશે અનેક માન્યતાઓ છે પણ તમને જણાવી દઈએ કે સ્વાસ્થ્ય માટે બટાકાનું સેવન લાભપ્રદ સાબિત થાય છે. તેમાં અનેક પોષક તત્વો રહેલાં હોય છે. પણ જ્યારે તમે બટાકાને અથવા તેમાંથી બનાવેલી કોઈ વસ્તુને લાંબા સમય સુધી ફ્રિઝમાં મૂકીને પછી ગરમ કરીને ખાઓ છો તો તેમાં રહેલાં પોષક તત્વો નષ્ટ થઈ જાય છે સાથે જ તે વિષાક્ત પદાર્થમાં બદલાઈ જાય છે. જેથી તમારા પેટને ભારે નુકસાન થઈ શકે છે. તો આવું કરવાથી બચવું જોઈએ. બટાકાની વાનગીઓ તરત બનાવેલી જ ખાવી જોઈએ.
મશરૂમ
મશરૂમનું સેવન માનવ સ્વાસ્થ્ય માટે રામબાણ છે. તેના સેવનથી હાઇ બ્લડપ્રેશર નિયંત્રિત થાય છે તો બીજી તરફ તે સ્થૂળતા ઘટાડવાનું કામ પણ કરે છે. પરંતુ એક વાતનું હમેશા ધ્યાન રાખવું કે મશરૂમ બનાવીને તરત જ તેની ખાઈ લેવા જોઈએ. જો તમે એને મૂકી રાખીને પછી ખાઓ તો તે ખરાબ થવાની સંભાવના રહે છે અને સાથે જ તે બગડી જવાનો ડર પણ રહે છે. આ સિવાય મશરૂમને વારંવાર ગરમ કરીને પણ ન ખાવા જોઈએ, કારણે કે તે પચવામાં ભારે થઈ જાય છે.
ચિકન
ચિકન એક એવો ખોરાક છે જેને મોટાભાગે લોકો ગરમ કરીને ખાતા હોય છે. પરંતુ આને ગરમ કરીને ખાવું સ્વાસ્થ્ય માટે બહુ જ નુકસાનકારક હોય છે કારણ કે તેમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે, જેને ઠંડું કર્યા પછી ગરમ કરીને ખાવાથી તે ટોક્સિનમાં બદલાઇ જાય છે અને પાચનતંત્ર માટે હાનિકારક સાબિત થાય છે. જો તમે ફરી ચિકન ખાવા માગો છો તો તેને ગરમ કર્યા વિના જ ખાવું પણ વારંવાર ગરમ ન કરવું.
બીટ
બીટમાં નાઇટ્રેટની માત્રા વધારે હોય છે. જેથી તેને વારંવાર ગરમ કરવાથી તેના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે અને પછી તેને ખાવાથી તે શરીરમાં જઈને ઝેરનું કામ કરે છે.
પાલક
પાલકને ગરમ કરીને ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે કારણ કે પાલકમાં પણ નાઇટ્રેટની માત્રા વધારે હોય છે જેથી તેને ગરમ કરવાથી પાલક નાઈટ્રેટમાં પરિવર્તિત થઈ જાય છે. જે રોગોનું કારણ બને છે.
ઇંડા
ઇંડાને ઉચ્ચ તાપમાનમાં ગર્મ કરવામાં આવે તો તે ઝેર બની જાય છે. માટે જ બાફેલા ઇંડાને બીજી વાર ગરમ ના કરવા જોઇએ. તેનાથી પેટ બગડી શકે છે.
સેલેરી
સેલેરી પાલક જેવી જ ભાજી છે.તેમાં નાઇટ્રેટ સારી માત્રામાં હોય છે. મોટાભાગના લોકો સૂપમાં સેલેરીનો ઉપયોગ કરતા હોય છે. જેને વારંવાર ગરમ કરવાથી તે વિષમાં પરિવર્તિત થઇ શકે છે. તે તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર