મેગીમાં સીસાના સાથે જેનું પ્રમાણ વધુ મળ્યું છે તે મોનો સોડિયમ ગ્લુટામેટ એ વસ્તું છે જેને આપણે સૌ સામાન્યપણે આજીનોમોટો નામથી ઓળખીએ છીએ, અને એ તો બધાને જ ખબર છે કે તમે કોઈપણ ચાઈનીઝ વાનગી બહારથી લાવો તો તેમાં આજીનોમોટો નંખાયો જ હોય છે. મોટાભાગના લોકોને એ હજું પણ નથી ખબર કે આજીનોમોટો આપણા આરોગ્ય માટે કેટલો નુકશાનકરાક સાબિત થાય છે અને તેના કારણે માતા-પિતા પોતાના બાળકોને ચાઈનીઝ ખવડાવવાતા રહે છે.
એકાદ દસકા પહેલાની વાત કરીએ તો આપણે સૌ ઘરે મમ્મીએ બનાવેલા ખોરાકના દિવાના હતા. મોટાભાગે તો આપણે બહારનું ખાવાનું ખાતા નહોતા અને જો ખાવું પડે તેવું હોય તો તેવી સ્થિતિ બે-ત્રણ મહિને એકાદવાર આવતી હતી. ઘરે મમ્મીએ બનાવેલા ઘીથી નીતરતા પરાઠાનો સ્વાદ અનેરો હતો, એ છોડીને આપણે હવે સુરતના ગૌરવપથની લારીઓ પર એ સ્વાદ શોધવા મથીએ છીએ, ખાવાની બાબતમાં જ્યારે પણ તમે વિચારતા ત્યારે ઘરે બનેલી વાનગીઓને તેમાં પ્રાધાન્ય રહેતું, પણ પીત્ઝા, વેફર્સ અને મેગીએ આપણું એ તંત્ર ખોરવી નાંખ્યું
માનીએ કે સમય બદલાયો છે, અને દરેક તૈયાર ખોરાક અને ઈન્સ્ટન્ટ ફૂડ આજે દરેક ઘરના રસોડામાં અડીંગો જમાવીને બેસી ગયો છે. અને સાથે એ વાત સ્વીકારવી પડે કે લોકો આજે વધુ શિક્ષિત બન્યા છે અને તેઓ કોઈ વસ્તુ બજારમાંથી ખરીદે તો ઝીણવટથી તેમાં કયાં ઈન્ગ્રેડિએન્ટ્સ અને ન્યુટ્રીશનલ સામેલ છે તે નિહાળે છે, પણ આશ્ચર્યની વાત એ છે કે તેઓ મોનોસોડિયમ ગ્લુટામેટ (એમએસજી) જેવા ધીમા ઝેર ભણી આંખ આડા કાન કરે છે. આમ થવા પાછળનું ખરૂં કારણ એ છે કે શિક્ષિત હોય કે અશિક્ષિત તમામ લોકોને આજીનોમોટો એટલે કે મોનોસોડિયમ ગ્લુટામેટ આરોગ્ય માટે કેટલું જોખમી છે તેની ખબર જ નથી.
સૌથી અગત્યની વાત એ છે કે આજે દરેક ઈન્સ્ટન્ટ ફૂડ આઈટેમમાં સૌથી ખરાબ ઈન્ગ્રેડિયન્ટ જો કોઈ હાજર હોય તો તે છે મોનોસોડિયમ ગ્લુટામેટ. હવે એ પણ જાણી લો કે મોટું નામ ધરાવતી કંપનીઓ જ્યારે પોતાના પેકેટ પર ઈન્ગ્રેડિયન્ટ લખે છે ત્યારે મોનોસોડિયમ ગ્લુટામેટ લખવાને બદલે ચાલાકી વાપરીને આજીનોમોટો લખે છે.
હવે તમને એમ થતું હશે કે આ આજીનોમોટો છે શું? કોઈ ગુજરાતી વ્યક્તિ આજીનોમોટો આમ એક સાથે નહીં પણ આજીનો મોટો એમ છૂટું લખાય એવું પણ કહેશે, પણ આ લખનારની ભૂલ નથી, હકીકતમાં આજીનોમોટો એક જાપાની કંપની આજીનોમોટો કોર્પનું નામ છે, અને એ કંપની જ આ ખોરાકમાં સ્વાદ વધારનારી આ પ્રોડક્ટ બનાવે છે. આજીનોમોટો બનાવવામાં વપરાતી સામગ્રીમાં જેનો સૌથી વધુ ઉપયોગ થાય છે તે છે મોનોસોડિયમ ગ્લુટામેટ છે. હવે મોટાભાગના પેકેજ ફૂડમાં આ સમાગ્રી સૌથી વધુ વપરાય છે.
પહેલા આજીનોમોટો માત્ર ચાઈનીઝ રેસ્ટોરન્ટ કે ચાઈનીઝ ફૂડ વેચતી લારીઓ પર બનતા ચાઈનીઝ ફૂડમાં વપરાતો હતો, પણ હવે તેણે આપણા ઘરમાં બનતી ચાઈનીઝ વાનગીઓ દ્વારા આપણા રસોડામાં પણ પગપેસારો કર્યો છે.
હવે જાણીએ કે તમે ક્યાં ક્યાં આજીનોમોટો મતલબ કે મોનોસોડિયમ ગ્લુટામેટ આરોગી રહ્યા છો. તમે જે નુડલ્સ ખાવ છો, પછી તે મેગી હોય, સનફીસ્ટ હોય, યીપ્પી હોય કે પછી સાદા પેકિંગમાં આવતી નુડલ્સ હોય એ તમામમાં મોનોસોડિયમ ગ્લુટામેટ એટલે કે આજીનોમોટોનો ઉપયોગ થયો હોય છે. આ ઉપરાંત તૈયાર વેફર્સના પેકેટ, કે પછી એક મિનિટમાં તૈયાર થતાં સૂપના પેકેટ હોય એ તમામમાં આજીનોમોટોના નામે મોનોસોડિયમ ગ્લુટામેટ વપરાયો હોય છે. આ ઉપરાંત બજારમાં વેચાતા વિવિધ ટોમેટો કેચઅપ, તમામ પ્રકારના ડબ્બાબંધ ખોરાક, પ્રિઝર્વ્ડ ફીશ કે પછી અન્ય આઈટમોમાં પણ તેનો ઉપયોગ છૂટથી થાય છે
આજીનોમોટો કઈ રીતે બને છે અને તે કેમ નુકશાનકારક છે?
જે આઈટમમાં મોનોસોડિયમ ગ્લુટામેટનો ઉપયોગ થયો હોય અને તમે જ્યારે તે આરોગો છો ત્યારે તમારા શરીરના રક્તમાં ગ્લુટામેટનું લેવલ 8થી 10 ગણું વધી જાય છે અને આટલી વધુ માત્રામાં તે વધી જવાથી તેની ઘણી ગંભીર અસરો તમારા પર પડી શકે છે. આજીનોમોટો પણ મોનોસોડિયમ ગ્લુ઼ટામેટને કારણે ઉત્તેજક ચેતાપ્રેષક દ્રવ્ય ધરાવે છે. તે શરીરના ચેતા કોષોને ક્ષુબ્ધ કરી નાખે છે, અને જો તેનું સેવન વધુ માત્રામાં થાય તો તેના કારણે આપણા શરીરના ચેતા કોષનું સંતુલન ખોરવાઈ જાય છે. શરીરના ચેતા કોષોનું સંતુલન ખોરવાઈ જવાને કારણે શરીરનું આરોગ્ય જોખમાય છે અને તેના વિપરીત પરિણામો પણ જોવા મળે છે.
લોકોનો ખબર છે છતાં ઉપયોગ કેમ?
લોકોને જો આના પરિણામ ખબર છે છતાં તેઓ તેનો ઉપયોગ કેમ કરે છે એવો સવાલ થતો હોય તો જાણી લો કે મોટાભાગના લોકોને એ ખબર જ નથી હોતી કે આ વસ્તુ નુકશાનકારક છે. બીજી વાત એ છે કે આજીનોમોટો ખુબ જ સસ્તો હોય છે અને તે સરળતાથી બજારમાં મળે છે. વળી તે ખોરાકનો સ્વાદ વધારતું તત્વ હોવાથી લોકો તેને પસંદ કરે છે. મોનોસોડિયમ ગ્લુટામેટ શરીરમાં તમારા સ્વાદુપીંડને ઉત્તજીત કરે છે અને તેના કારણે શરીરમાં સુગરનું લેવલ યથાવત હોવા છતાં સ્વાદુપીંડ ઈન્શ્યુલીન છોડે છે, હવે ઈન્શ્યુલીન વધવાથી સુગરનું લેવલ નીચુ આવે છે અને તેના કારણે તમને ભૂખ લાગે છે અને આમ નિયમિત થવાથી તમારામાં અંકરાતિયાપણું આવી જાય છે અને તે ધીરે ધીરે તમને સ્થૂળતા તરફ ખેંચી જાય છે. આ ઉપરાતં મોનોસોડિયમ ગ્લુટામેટ તમારા માટે એક આદત પણ બની જાય છે, જો તમે આ તત્વ ધરાવતી કોઈ પણ વસ્તુ ખાઓ છો તો તમે તે એ ફૂડ આઈટમ નિયમિત રીતે ખાતા થઈ જાવ છો.
આજીનોમોટોની સાઈડ ઈફેક્ટ
માથાનો દુખાવોઃ
આજીનોમોટો એટલે કે મોનોસોડિયમ ગ્લુટામેટના સેવનથી આ એક સર્વ સામાન્ય સાઈડ ઈફેક્ટ થાય છે. આજીનોમોટો તમે રોજીંદા ખોરાકમાં લેતા રહો તો સામાન્ય માથાનો દુખાવો માઈગ્રેનમાં ફેરવાતા વાર લાગતી નથી અને તે પણ અત્યંત તિવ્ર અસર ધરાવતું માઈગ્રેન તમને થઈ શકે છે.
શરીરના ચેતા કોષો વધુ પડતા સક્રિય બની જાયઃ
આજીનોમોટો તમારા શરીરના કોષોને વધુ પડતા સક્રિય બનાવે જ છે અને તે શરીરના કોષોનું સંતુલન પણ ખોરવી નાખે છે અને આમ થવાને કારણે તમને આરોગ્યને લગતી ઘણી તકલીફો થઈ શકે છે.
હૃદય પર થતી અસરઃ
શરીરમાં કોઈપણ જોખમી તત્વની હાજરી વધવા માંડે છે ત્યારે તેમાંથી આપણું હૃદય કઈ રીતે બચી શકે. એના કારણે આપણા હૃદયના ધબકારા અનિયમિત બને છે કાર્ડિયાક મસલ્સ જકડાઈ જાય છે અને છાતીમાં તિવ્ર દુખાવો થાય છે.
ચહેરામાં બળતરા થવાની સમસ્યાઃ
મોનોસોડિયમ ગ્લુટામેટના રોજીંદા સેવનથી ચહેરા પરની ચામડીમાં બળતરા થવાની સમસ્યા કાયમી અને સર્વસામાન્ય બની જાય છે.
સગર્ભાઓ માટે જોખમીઃ
આજીનોમોટોથી સગર્ભાઓએ દૂર જ રહેવું જોઈએ. તેનાથી વંધ્યત્વ આવવાનું પણ એટલું જ જોખમ છે. જો કોઈ મહિલા સગર્ભા હોય તો તેણે આજીનોમોટો ધરાવતી કોઈપણ વસ્તુના સેવનથી દૂર રહેવું જોઈએ.
વિવિધ રોગ થઈ શકેઃ
આજીનોમોટો એટલે કે મોનોસોડિયમ ગ્લુટામેટનું સેવન કાયમી થવાથી બ્લ્ડ પ્રેશર, થાઈરોઈડ ઈસ્યુ, ડાયાબિટીસ, અસ્થમા, ફૂડ એલર્જી અને ઓબેસિટીની સમસ્યા વધતી જાય છે. આ ઉપરાંત વધુ પડતો પરસેવો થવો એ પણ સામાન્ય બની જાય છે. તેનાથી આંખની રેટીનાને પણ નુકશાન થાય છે. અને સૌથી મોટી વાત તેના વધુ પડતા ઉપયોગથી તમને કેન્સર પણ થઈ શકે છે.
આજીનોમોટો (મોનોસોડિયમ ગ્લુટામેટ) ધરાવતી વસ્તુઓ
– વેફર જેવા તૈયાર ખોરાકના પેકેટ
– સૂકવેલા સૂપના પેકેટ
– સૂકવેલી ગ્રેવીના પેકેટ
– ઈન્સ્ટન્ટ નૂડલ્સ અને કપ નૂડલ્સ
– પ્રીઝર્વ્ડ માછલી
– તમામ પ્રકારના સોસ
– ટોમેટો કેચઅપ
– મેયોનેઝ
– બટાકાની વેફર
– સોયા સોસ
– ડબ્બાબંધ તમામ ખોરાક
– ચાઈનીઝ સહિતની લગભગ તમામ ફાસ્ટફૂડ