નવસારીથી દાંડી જવાના રસ્તે એરૂ ચાર રસ્તા અગાઉ હાંસોપોર પાસે એક રેલવે ફાટક આવે છે. આ રૂટ મુંબઈ તરફ આવતો- જતો હોવાથી સતત આ ફાટક તમને બંધ જ જોવા મળે. ઘડીક વાર માટે તો થોભવું જ પડે. આ ફાટક આમ તો અન્ય ફાટકોની જેમ સાવ સામાન્ય ફાટક જ ગણાય જ્યાં સુધી તમારી નજર બાજુમાં અડીખમ ઉભેલા એક નાનકડા સ્ટેશન પર ના પડે.
જે સ્થળે આજે સ્ટેશન છે ત્યાંથી ગાંધીજીને એ ટ્રેનમાં બેસાડી મુંબઇ લઇ જવામાં આવ્યા હતા. મુંબઇથી ગાંધીજીને પુણેની યરવેડા જેલમાં ખસેડવામાં આવ્યા હતા. એ દિવસની યાદગીરીરૂપે આજુબાજુના ગામોએ લડત ચલાવી હતી અને પરિણામ સ્વરૂપ ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન તારીખ 15.08.1997ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. આ માત્ર એક એવું સ્ટેશન છે જ્યાં કદાચ એકપણ ટ્રેન એ ફાસ્ટ હોય કે લોકલ હોય થોભતી નહીં હોય. બાદમાં દાંડીયાત્રાની 75મી જ્યંતિ પ્રસંગે કોઇ પણ કારણ વગર આ સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યું હતું. જેના વિરોધમાં હોંસોપોર ગાંધી સ્મૃતિ રેલવે હિતવર્ધક કમિટી દ્વારા આંદોલન ચલાવવામાં આવ્યું હતું. 105 દિવસના ઉપવાસ બાદ ફરી એકવાર સ્મૃતિ સ્ટેશનને શરૂ કરવામાં આવ્યું હતું.
હાંસોપોર ગામના રેવન્યુ સર્વે નંબર 40ની જમીનમાં ગામના લોકો દ્વારા ગાંધીચોરો અને જલગૃહ બનાવવામાં આવ્યા છે. દાંડીયાત્રા ૧૨મી માર્ચથી ૫મી એપ્રિલ. ૨૪૧ માઈલ્સ અંતર. ૭૯ યાત્રીઓ. આ તો ઘણાને ખબર હશે પણ દાંડીયાત્રાનો બીજો એક રંગ પણ જાણવા જેવો છે. યાત્રાના રસ્તામાં આવતા ગામોના લોકો કેવી રીતે ગાંધીના રંગમાં રંગાઈ ગયા હતા અને તેમણે જીવનભર ગાંધીના નામે જીવન લુટાવી દીધું હતું. આવા જ હતા એક પાંચાકાકા.
હરિજનબંધુના એક અંકમાં ગાંધીજીએ વિશેષ ઉલ્લેખ કરી લખ્યું હતું કે પાંચાકાકાની એ ટેક ભારતભરમાં અદ્ધિતીય રહેશે. દાંડીયાત્રાની વાત નીકળે અને પાંચાકાકા વગર તે પુરી થાય તો તે સાવ અધુરી ગણાય. પાંચાકાકા અને ભારતની આઝાદીને સીધો સંબંધ છે. પાંચાકાકા ગાંધીજીના રંગે રંગાયેલા હતા અને તેમનું જીવન ગાંધીના વિચારોમય હતું અને ધ્યેય પણ એક જ હતો. ભારતની આઝાદી. મહાત્મા ગાંધીનો પ્રભાવ એક ભારતીયના મન પર કેવો હતો તેનું ઉત્તમ ઉદાહરણ એટેલે પાંચાકાકા. દાંડીના નમક સત્યાગ્રહ વિશે તો તમે જાણતા જ હશો. જેણે આઝાદીની લડાઈમાં ઈતિહાસના પાનાંઓ ઉપર સ્થાન મેળવ્યું. દાંડી ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલું છે. દાંડી જતાં રસ્તામાં આવેલું છે કરાડી ગામ. કરાડી ગામના વતની હતા પાંચાકાકા.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર
૧૯૩૭માં કોગ્રેસની સરકાર બોમ્બે પ્રેસીડન્સીમાં રચાઈ. બી.જી.ખેરની નિમણૂંક મુખ્ય પ્રધાન તરીકે થઈ. તેમણે પાંચાકાકાને સમાચાર મોકલાવ્યા કે અમે બ્રિટીશ સરકારે જ કરેલી તમારી તમામ મિલકત પરત આપવાનું વિચારીએ છીએ. પાંચાકાકાએ વળતો જવાબ આપતાં કહ્યું હતું કે માફ કરજો. હજી ગાંધીજીના સપનાંની સ્વતંત્રતા દેશને મળી નથી. હું મારા વચનથી જોડાયેલો છું. જ્યાં સુધી સમગ્ર દેશને તમામ પ્રકારની સ્વતંત્રતા નહીં મળે ત્યાં સુધી હું મારી મિલકત પર કબજો ન મેળવી શકું. મને માફ કરજો. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારત સ્વતંત્ર થયું. ફરીએકવાર પાંચાકાકાને સંદેશો ગયો. હવે તો ભારત આઝાદ છે. તમારી મિલકત પરત લઈ લો. તેમણે થોડો સમય માંગ્યો અને ગાંધીજીને પત્ર લખ્યો. પત્રમાં તેમણે ગાંધીજીને લખ્યું હતું કે શું આ આપના સપનાંની આઝાદી છે? શું તમે આ આઝાદી ઈચ્છતા હતા? ગાંધીજીએ જવાબમાં લખ્યું હતું કે કમનસીબે ના.